૨૦૧૩ – ૨૦૧૪

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

વિદ્યોદય ફાઉન્ડેશનનું મુખ્ય ધ્યેય છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક ટેકો આપવો. તેથી અમે શાળાઓના કર્મચારીઓની સાથે, સમાજ સેવકો સાથે અને આર્થિક રીતે નબળા લોકોના આજુબાજુના સંકુલ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. રાજકોટ જીલ્લાના દૂરના વિસ્તારમાં કામ કરતા એક સમાજ સેવક ઢેઢુડી ગામની એક બાળાને અમારી પાસે લઈ આવ્યા. આ બાળાએ ધોરણ ૧૦ ખૂબ સારા માર્ક્સથી પાસ કર્યું હતું. અને તે દરમ્યાન આ સમાજ સેવકે તેને આર્થિક સહાય મેળવવામાં મદદ કરી હતી. હવે તે બાળા ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરવા માંગતી હતી. તેના મા-બાપ પાસે તેટલી આર્થિક સગવડ નહોતી. અમે નક્કી કર્યું કે તેની ફી ભરવી અને તેને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરવામાં કોઈ અડચણ ન આવે તેની દેખરેખ રાખવી. અને આવી જ રીતે વડોદરા, રાજકોટ વગેરેનાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાનું શરૂ થયું. આ વર્ષે અમે ગુજરાતનાં કુલ ૩૨ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં સક્ષમ બન્યા. શરૂઆતમાં પહેલા જ વર્ષે જે બાળકોની આર્થિક પરિસ્થિતિ તેમના અભ્યાસમાં રૂકાવટ રૂપે હતી તેમને મદદ કરવા માટે આ ટ્રસ્ટે ૧,૩૭,૮૨૪ રૂપિયાનો જે ફાળો આપ્યો તે ઘણો મહત્વનો હતો.

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાઃ

૩૨

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ       

રૂ.૧,૩૭,૮૨૪

 

  • આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવા માટે આર્થિક મદદ.
  • હોંશિયાર વિદ્યાર્થીઓને દેવાતી શિષ્યવૃતિ.

ચિનગારી

વિદ્યોદય ફાઉન્ડેશનનું મુખ્ય ધ્યેય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનું છે.પણ જેમ જેમ વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસ અંગેની બાબતોમાં અમે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ અમને સમજાણું કે ધોરણ ૧, ૨, ૩ ના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં પાછળ પડતા જાય છે. અને તેથી તેમનો અભ્યાસ પ્રત્યેનો રસ ઓછો થતો જાય છે. અમે લોકોએ તેમના અભ્યાસમાં પાછળ પડતા જવાનું કારણ શોધી કાઢ્યું. ખામી મૂળમાં હતી. કોઈ પણ ચીજ શીખવા માટે જે પાયાની વસ્તુ છે તે વાંચવા અને લખવાની કળા છે. અને તેનું મૂળ છે મૂળાક્ષરોમાં. જો બાળકો મૂળાક્ષરોના જ્ઞાનમાં નબળા હોય, તેમનો પાયો જ કાચો હોય તો આગળ જતા તેમને અભ્યાસમાં ખૂબ મૂશ્કેલી પડે. એટલે હવે અમે આર્થિક સહાય ઉપરાંત તેમના પાયાના અભ્યાસમાં પણ મદદ કરવાનું નક્કી કર્યું અને ચિનગારીનો ઉદ્-ભવ થયો.

 

પરંતુ આ શિક્ષણ કયાં અને ક્યારે આપવું ? કોણ તેમને શીખવે ? વગેરે પ્રશ્નો ઉદ્-ભવ્યા રાજકોટની સી. કે. ગોહિલ પ્રાથમિક શાળા આ કાર્ય શરૂ કરવા તત્પર બની. અને એવું નક્કી કરવામાં આવ્યું કે વિદ્યોદય ફાઉન્ડેશન મોટા વિદ્યાર્થીઓને આર્થિક વળતર આપશે અને મોટા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા અને પ્રાથમિક ગણતરી કરતા શીખવાડશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેઓ તરત નાના બાળાકોને શીખવાડવા સહમત થયા. આનાથી નાના બાળકોને પુનરાવર્તનની તક મળશે અને મોટા વિદ્યાર્થીઓ જેમને આર્થિક સહાયની જરૂર છે તેમને પણ રાહત રહેશે.

ધોરણ ૧૦ અને ૧૧ ના વિદ્યાર્થીઓની સાથે આ સંબંધી વાત કરવામાં આવી. તે લોકોમાં નાના બાળકોને વાંચતા લખતા અને ગણતરી કરતા શીખવવા તૈયાર થયા. તેમને પોતાને પોતાના અભ્યાસમાં આર્થિક સહાય મળવાથી તેમના માતા-પિતાનો આર્થિક બોજો ઓછો થયો.

 ‘ચિનગારી’ એ તેના કાર્યને સાર્થક કરતું નામ છે. ચિનગારી એટલે એક જ્યોત જે જ્ઞાનનો પ્રકાશ છે અને જેમાં બંને – જે શીખે છે અને શીખવાડે છે તે બંને પ્રજ્જવલિત થાય છે. આમ યાત્રા શરૂ થઈ. ચિનગારીના વર્ગો દર રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલે છે. પછી તો ધોરણ ૮ અને ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ પણ શિક્ષક બનવામાં જોડાયા. આખી યાત્રા ઘણી રસપ્રદ બની ગઈ. જેમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓ હોય અને તેમની ઉંમર તેમના વિદ્યાર્થીઓની ઉંમરની ઘણી નજીક હોય. તેથી તેમની વચ્ચેનો સંબંધ વધારે આત્મીય બન્યો. અને શિક્ષણનું કાર્ય ઘણું રસપ્રદ બન્યું. તીવ્રતા અને શીઘ્રતા બંને આવ્યા. વિદ્યાર્થી-શિક્ષકો નવી નવી યોજનાઓનું સંશોધન અને પ્રયોગ કરવા લાગ્યા. જ્ઞાન ગમ્મત સાથે દેવાવા લાગ્યું. ચિનગારી એ વિદ્યોદય ફાઉન્ડેશનની સતત ચાલતી પ્રક્રિયા છે. અને આ તો માત્ર શરૂઆત છે…………..