૨૦૧૪ – ૨૦૧૫

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૬૧

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ       

રૂ.૨,૩૩,૩૯૫

વિશિષ્ટ પ્રકારની વેશભૂષા સ્પર્ધા

વિદ્યોદય ફાઉન્ડેશન અને સી. કે. ગોહિલ પ્રાથમિક શાળાએ ભેગા મળીને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આ પ્રસ્તાવ અંગે ચર્ચા કરી. ચર્ચા પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને એક સુંદર નિર્ણય ઉપર આવ્યા કે ધોરણ ૧, ૨, અને ૩નાં નાના વિદ્યાર્થીઓ વેશભૂષામાં ભાગ લેશે. તેઓ રમતવીર, સમાજ સેવકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, નારી નેતાઓ અને કવિઓના પાત્રની વેશભૂષામાં ભાગ લેશે. અને વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરશે. પરંતુ ભાગ લેનાર દરેક વિદ્યાર્થી પોતે જેમની વેશભૂષામાં હશે તેમના જીવનની વિશિષ્ટતાઓ, તેમના ગુણોની જાણકારી મેળવી લેશે. તેથી વિદ્યાર્થીઓનાં જીવનમાં મહાન વિભૂતિઓના જીવન અને તેમના કાર્ય તથા ગુણોની માહિતી પ્રેરણાદાયી બને.

ધોરણ ૪ થી ૭ સુધીના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન સંબંધી સ્પર્ધા રહેશે. એક વર્ગમાંથી ૫ ટીમ ઉભી થશે. અને દરેક ટીમ એક મહાન વૈજ્ઞાનિકની શોધ, તેમનું જીવન, કાર્ય એક ટેબલ પર રજુ કરશે. તેમણે કરેલા પ્રયોગમાંથી એક પ્રયોગ પણ ટેબલ ઉપર કરી દેખાડશે. અને આના દ્વારા તેઓ તે વૈજ્ઞાનિક, તેમના જીવન અને કાર્ય વિષે અભ્યાસ કરશે અને તેમને ઘણું નવું નવું જાણવા મળશે.

આ સ્પર્ધામાં દરેક ક્લાસ જ રંગમંચ બની જશે. તેથી જુદા રંગમંચની જરૂર જ નહી પડે. બધા જજ લોકો વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ જોવા એક વર્ગથી બીજા વર્ગમાં ફરતા રહયા અને પ્રેક્ષકગણે પણ તે જ રીતે અભિવ્યક્તિની મજા માણી અને જોવા જેવું એ હતું કે પ્રતિસ્પર્ધકો પણ બીજા વર્ગમાં ચક્કર મારી બીજી અભિવ્યક્તિઓને જોઈ આવ્યા.

બાપુપુરાની પ્રાથમિક શાળામાં લેખન સ્પર્ધા

૭મી ફેબ્રુઆરી, ૨૦૧૫માં વિદ્યોદય ફાઉન્ડેશન અને સી-મેટ્રીક સોલ્યુશન પ્રા. લિ. નાં સભ્યોએ ગાંધીનગરથી નજદીકમાં આવેલી બાપુપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. આ મુલાકાતનો હેતુ એ હતો કે બાળકો સાથે સમય વ્યતીત કરવો, તેમની સાથે વાતચીત કરવી અને તેમને થોડી સ્ટેશનરીની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવા. અને તેને માટે ધોરણ ૧ થી ૬ નાં વિદ્યાર્થીઓ વચ્ચે લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓએ સ્વાગત ગીતથી અમને આવકાર્યા.  તેમણે ખૂબ ઉત્સાહથી લેખન સ્પર્ધામાં ભાગ લીધો. તેમનો ઉત્સાહ પ્રેરણાદાયી હતો. દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થી-સ્પર્ધકની પસંદગી કરવામાં આવી. અને તેમને દરેકને આધુનિક દફતર ઈનામરૂપે આપવામાં આવ્યું અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વચ્ચે પેન, પેન્સીલ, સંચા, ઈરેઝર્સ, કમ્પાસ બોક્ષ, ભૂમિતિના સેટ્સ(સાધનો), નોટબુક્સ, મોજા, ચોકલેટ વગેરેની વહેંચણી કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

 

ચિનગારી

ચિનગારીએ આ વર્ષે બીજા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ચિનગારીના વર્ગો અત્યાર સુધી દરેક રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી લેવામાં આવતા હતા. અને આના કારણે બે વર્ગો વચ્ચે એક અઠવાડિયાનો ગેપ રહેતો હતો. નાના બાળકો માટે આ ગેપ ઘણો મોટો ગણાય. ઘણી વખત તો તેઓ અઠવાડિયા દરમ્યાનમાં કોઈ પુનરાવર્તન જ નહોતા કરતા. અને તેને લીધે તેમના અભ્યાસમાં તેઓ પાછળ પડતા જતા હતા.

એક કોલેજની વિદ્યાર્થીનીને આર્થિક સહાયની જરૂર હતી. તેથી તેણે એક વિચાર રજુ કર્યો. કે બે રવિવારના ચિનગારી વર્ગોની વચ્ચેના દિવસોમાં  રોજ તે કોલેજની વિદ્યાર્થિની નાના બાળકોને શાળાની પ્રાર્થના પહેલા શીખવવા તૈયાર છે. અને આ રીતે નાના બાળકોને રોજ પુનરાવર્તન  અને પ્રગતિ કરવાની તક મળી. અને તેથી રવિવારે શીખેલું તે ભૂલ્યા વગર યાદ રાખી શકતા હતા. અને બીજી બાજુ કોલેજની વિદ્યાર્થિનીને આર્થિક સહાય મળી અને નાના બાળકોને નિયમિત અભ્યાસની તક મળી.