૨૦૧૬ – ૨૦૧૭

વિદ્યાર્થીઓને આર્થિક સહાય

આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

૯૪

ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ

રૂ.૪,૦૦,૬૪૦

કાવ્ય સર્જનની સ્પર્ધા

લેખન કળા એ પાયાનું શિક્ષણ છે અને કાવ્ય સર્જનમાં વિશિષ્ટ નિપુણતાની આવશ્યકતા છે. નાના વિદ્યાર્થીઓમાં આ કળાની નિપુણતાનું આરોપણ કરવા માટે, વિદ્યોદય ફાઉન્ડેશન તથા રાજકોટની સી. કે. ગોહિલ પ્રાથમિક શાળાએ ધોરણ ૫ થી ૮ નાં વિદ્યાર્થીઓ માટે કાવ્ય સર્જનની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કુદરતના ખોળે બેસી પ્રકૃતિમાંથી જ પ્રેરણા લઈને તેમના ભાવોને, કલ્પનાઓને કવિતાનું સ્વરૂપ આપવાની તકો આપવામાં આવી અને બાળકો તો ખીલી ઉઠયા. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી તેમણે પોતાની કલ્પનાઓને કાવ્યનું સ્વરૂપ આપ્યું. આખો માહોલ ખૂબ ઉત્સાહ, આનંદ અને હર્ષોલ્લાસથી ભરાઈ ગયો હતો. ઊગતા કવિઓને અનેરું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. તેઓ તેમનાં કાવ્ય સર્જનનું કાર્ય અવિરતપણે ચાલુ રાખી શકે તે માટે બધા જ પ્રતિસ્પર્ધક્ને નોટબુક અને પેન્સીલ ઈનામરૂપે અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું.

ઉત્તરાયણના પ્રસંગે મિઠાઈનું વિતરણ

        ગુજરાતમાં પ્રતિ વર્ષે ૧૪મી જાન્યુઆરીએ પતંગ ચગાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ઉત્તરાયણને ગુજરાતના સામાજીક-ધાર્મિક તહેવારોમાંનો એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે પતંગ ચગાવવા સિવાય પણ જરૂરતમંદોને મિઠાઈ, ફળો અને બીજી વસ્તુઓ વહેંચવામાં આવે છે. આ પવિત્ર દિવસે ૧૪ જન્યુઆરી ૨૦૧૭ના દિવસે વિદ્યોદય ફાઉન્ડેશન અને સી-મેટ્રિક સોલ્યુશન્સ પ્રા. લી.ના સ્વયં સેવકો રક્ષાશક્તિ સર્કલ, કુડાસણ, ગાંધીનગરની નજીકની ઝુપડપટ્ટીમાં ગયા. તેમની સાથે વાર્તાલાપ કરી તેમનામાં આત્મવિશ્વાસ પેદા કર્યો કે તેઓ પણ આ જ સમાજના એક વિકસિત ભાગરૂપે છે. અને અમને એ જણાવતા અત્યંત આનંદ અનુભવાય છે કે અમે તેમના મુખ પર સુખ, શાંતિ અને સંતોષનું સ્મિત પ્રગટાવી શકયા. તેમને ઉંધિયું અને જલેબી ખવડાવતા અમને અતિ હર્ષનો અનુભવ થયો.

ગમ્મત સાથે જ્ઞાન : ચિનગારી એક નવતર પ્રયોગ

        આગળ વર્ણવ્યા પ્રમાણે ચિનગારી વર્ષોથી ચાલ્યો આવતો વિદ્યોદય ફાઉન્ડેશનનો જ એક પ્રાયોગિક કાર્યક્રમ છે. અહીં મોટા વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા નાના વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણ એવા વાંચન લેખન શીખવામાં મદદ કરે છે. ૩ વર્ષનાં અનુભવ પછી મોટા વિદ્યાર્થીઓને સમજાયું કે લેખન વાંચનના પાયારૂપ મૂળક્ષરોને યાદ રાખવામાં જ નાના નબળા વિદ્યાર્થીઓને મૂશ્કેલી પડે છે. અને તેથી તેઓ સ્વતંત્રપણે અભ્યાસ ન કરી શકવાને કારણે સમગ્ર અભ્યાસમાં પાછળ પડતા જાય છે. આનું મૂળ કારણ એવા પાયારૂપ મૂળાક્ષરોનાં શિક્ષણ ઉપર ધ્યાન દેવું જરૂરી છે.  અને મોટા વિદ્યાર્થીઓએ તેનો સુંદર ઉપાય શોધી કાઢ્યો. મૂળાક્ષરોને શીખવવા અને યાદ રખાવવા તેમણે ગમ્મત સાથે જ્ઞાન અપાય તેવી સરળ અને રસપ્રદ પદ્ધતિ શોધી કાઢી. જેના કારણે નાના નબળા બાળકો સરળતાપૂર્વક અને રસપૂર્વક તે જ્ઞાન ગ્રહણ કરી શકે, તેનું સ્મરણ કરી શકે.

          તેઓએ ગુજરાતી મૂળાક્ષરો શીખવવા મૂળાક્ષરોને વણીને ગીતોની રચના કરી અને તેમાં નૃત્યના સ્ટેપ્સ ઉમેર્યા. નાના બળકોને આ ગીતો વારંવાર નૃત્ય સાથે ગવડાવ્યાં તેથી મૂળાક્ષરોનું પુનરાવર્તન વારંવાર થયું, રસપૂર્વક થયું. આ કાર્યે અદ્-ભૂત પરિણામ આપ્યું. નાના બાળકોને નાચતા-નાચતા શીખવામાં એટલી બધી મજા પડી ગઈ કે તેઓ સ્ટેપ્સ શીખતા શીખતા, ગાતા ગાતા ક્યારે મૂળાક્ષરો શીખી ગયા. તેની ખબર પણ ન પડી. ક્લાસમાં આવવાનું નિયમિત બનતું ગયું. એકાગ્રતા વધતી ચાલી. રસ પણ વધતો ગયો. અને ગુજરાતી મૂળક્ષરો ખૂબ પ્રેમ અને ઉલ્લાસથી શીખાઈ ગયા.