વિદ્યાર્થીઓને આર્થિક સહાય
|
આર્થિક સહાય મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા |
૮૮ |
|
ગુજરાતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ફાળવાયેલી કુલ રકમ |
રૂ.૩,૬૨,૫૧૦ |
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે વ્યતીત કરેલો સમય
વિદ્યોદય ફાઉન્ડેશન હવે પરિપકવ થતું જાય છે, એવું અમને લાગ્યું. અમારે અમારી શક્તિઓને નવી પ્રવૃતિઓમાં જોડવાનો સમય આવી ગયો છે. વિદ્યોદયની પ્રવૃતિઓ વૃદ્ધિ પામવી જોઈએ. અને તુરંત અમારા મનમાં આજનો સળગતો પ્રશ્ન ઝબકી ગયો. વૃદ્ધોની પાછલી જીન્દગીમાં કંઈક શાંતિ અને સુખ શાતા વળે તેવું કરવાની એક તમન્ના જાગી – ઘણાં વૃદ્ધોને પોતાના પુત્ર-પુત્રીઓ વિદેશમાં સ્થિત થવાને કારણે અથવા તો ઘરના બધાજ બહાર કમાવાના અર્થે જતા હોવાના કારણે એકલતા, અસલામતી અને ભયની સમસ્યા નડતી હતી. આવી ઘણી સમસ્યાઓ ધ્યાનમાં આવતા એક વિકલ્પ એવો થયો કે આપણે વૃદ્ધોની સાથે તેમના ઘરે રહી સહારો આપવાનો કાર્યક્રમ શરૂ કરવો જોઇએ.
વિદ્યોદય ફાઉન્ડેશન અને સી-મેટ્રીક સોલ્યુશન પ્રા.લિ. ના આશરે ૧૯ કર્મચારીઓએ ૨૫ જુલાઈ ૨૦૧૫માં ગાંધીનગરની નજીકના આવા જ એક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. આ કર્મચારીઓએ નાટક, સ્વગતોક્તિ અને મિમીક્રીની આઇટમ્સ કરી વૃદ્ધોના દિલ બહેલાવ્યા અને તેમાં સૌથી રસપ્રદ આઇટમ હતી ગરબા. સ્વયં સેવકોએ જેવા ગરબા લેવાનુ શરૂ કર્યું કે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પણ તેમાં જોડાયા. શરૂઆતમાં તેમને સંકોચ થતો હતો. થોડી આનાકાની પણ હતી. પણ પછી તો તેઓ પ્રેમથી ગરબામાં જોડાયા અને છેક સુધી નાચવામાં ભાગ લઇ તેમનો પ્રેમ વ્યક્ત કર્યો. એક કલાક સુધી ગરબા રમ્યા પછી બધાને ભૂખ લાગી. તેમના સહુને માટે ગરમા ગરમ ફળફળતા ઢોકળા તૈયાર હતા. બધા સ્વયં સેવકો તેમજ વૃદ્ધોને આ ઢોકળા પીરસવામાં આવ્યા પણ તેની સાથે કોઇપણ કારણસર જે લોકો બહાર નહોતા આવી શક્યા તેમને પણ સ્વયંસેવકો તેમના રૂમમાં જઇને ઢોકળા ખવડાવી આવ્યા, અને આ ઢોકળા ખાતા ખાતા પણ તેમની વચ્ચે વાર્તાલાપ કરી, આત્મિયતા વધારી તેમને સંતોષ અને સહાનુભૂતિ આપવાનો પ્રયત્ન કર્યો.
રક્તદાન શિબિર – ગાંધીનગરમાં
૧૭ માર્ચ ૨૦૧૬ના રોજ વિદ્યોદય ફાઉન્ડેશન અને સી-મેટ્રીક સોલ્યુશન પ્રા. લિ. એ ગાંધીનગરમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું. પ્રથમા બ્લડ બેંકે ૩૦ સ્વયંસેવકો પાસેથી રક્ત એકઠું કર્યું. આ રક્ત દાનની શિબિરથી ઘણા દર્દીઓ જેમને રક્ત અને રક્ત ઘટકોનાં દાનની સખત જરૂરત હોય એમને એ પ્રાપ્ત થશે. અમને રક્ત દાનનું મહત્વ સમજાયું અને ભવિષ્યમાં પણ આવી રક્ત દાનની શિબિરોનું આયોજન ચાલું જ રહેશે તેવો નિર્ણય થયો.
ચિનગારી
વિદ્યોદય ફાઉન્ડેશનનો જ એક પ્રોજેક્ટ ચિનગારી હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચુક્યો છે. જેમ નદી વહે અને ઘણા વળાંકો એના માર્ગમાં આવે. તો પણ તે બધાની સાથે અનુકૂળ થતી આવે, જે જે વિઘ્નો આવે તેને પાર પાડીને, મૂશ્કેલીઓમાંથી પોતાનો માર્ગ કાઢીને આગળ વધે, તેમ ચિનગારી પણ બધા અવરોધોમાંથી પાર ઉતરીને પ્રગતિ કરતું રહ્યું છે. શિક્ષકો અને શીખનારાઓ દર વર્ષે બદલાતા રહે છે. નવી નવી શીખવાની પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. નવા અનુભવો થતા રહે છે.
એક વિદ્યાર્થિની વર્ગમાં ધ્યાન આપવાને ઉત્સુક નહોતી થતી. વર્ગમાં ચાલતી કોઇપણ પ્રવૃત્તિમાં ભાગ નહોતી લઇ શક્તી. તેને વર્ગમાં ભણાવાતા વિષયોમાં રસ લેતી કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ વ્યર્થ. એટલે વિદ્યાર્થિની-શિક્ષક પોતાના શિક્ષક પાસે માર્ગદર્શન માટે ગઇ. બન્નેએ ભેગા થઇને વિદ્યાર્થિનીના માં-બાપને મળવાનું નક્કી કર્યું. અને તેના કૌટુંબિક સંજોગો કેવા છે તે શોધી કાઢ્યું. વાત ક્યાં અટકી છે તેનો વિચાર કર્યો. તે વિદ્યાર્થિનીના કૌટુંબિક વાતાવરણ અને અડચણ સમજીને તે વિદ્યાર્થિનીની ખાસ કાળજી લેવામાં આવી. તે વિદ્યાર્થિનીનું ખાસ વ્યક્તિગત ધ્યાન રાખવામાં આવ્યું અને ધીરે ધીરે તેણે વર્ગની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અને આવી તો કંઇક ઘટનાઓ ચિનગારીમાં બની રહી છે અને બનશે. જેનાથી વિદ્યાર્થીઓની પ્રગતિ થતી રહેશે.
