વિદ્યોદય ફાઉન્ડેશન દ્બારા “ચિનગારી” કાર્યક્રમની શરૂઆત અમારી શાળામાં ૨૦૧૩માં ૧૨ બાળકોથી કરી હતી. અમારી શાળા બાલમંદિરથી શરૂ થાય છે તેથી ધો— ૧ માં આવનાર બાળક વાંચન—લેખનમાં તૈયાર હોય છે. પરંતુ વિકાસમાં પાછળ રહી ગયેલા, અભ્યાસમાં નબળા, માંદા બાળકો પોતાના વર્ગ સાથે કદમ મિલાવી શકતા નહોતા. અને હંમેશા પાછળ રહેતા. તેનો અમને સહુને રંજ રહેતો. તે લોકો તો અહિ તૈયાર થયેલા બાળકો કરતા ઘણાં પાછળ હતા. એ પ્રશ્નને ધ્યાનમાં રાખી ધીમી ગતિએ ભણતાં બાળકો ને મદદ કરવાના હેતુથી “ચિનગારી” પ્રોજેકટની શરૂઆત કરી. હું પ્રાથમિક વિભાગની શિક્ષિકા છું. મારું કોઇ એક બાળક બીજા બાળકની સરખામણીમાં સહેજ પણ પાછળ રહે તે મને યોગ્ય ન લાગ્યું. તેમને કોઇ પણ રીતે વર્ગ સાથે કરવાનું મને ગમે છે. હું સ્વેચ્છાથી આ કાર્યક્રમમાં જોડાઈ અને નબળા બાળકોને તૈયાર કરવાનું કામ મેં હોંશે હોંશે ઉપાડયું.
સૌ પ્રથમ તો અમે બાળકની વ્યકિતગત ચકાસણી કરી બાળકોનો પરિચય કેળવી તેમને વિશ્વાસમાં લીધા. કક્કાથી શરૂઆત કરી. અમુક બાળકોને ક, કા તેમજ કે જેવા ત્રણ કક્કા આવડતા હતા. જયારે અમુક વિદ્યાર્થીઓને કકકામાં પણ ભૂલ પડતી હતી. જે બાળકોને કકકા આવડતા તેમને એક કક્કો પૂરો થાય પછી બે અક્ષરના શબ્દો, ત્યાર બાદ ત્રણ અક્ષરના શબ્દો, ચાર અક્ષરના શબ્દો, પછી વાક્ય લખાવતા. એક પગલું પૂરું થાય પછી બીજા પગલા તરફ આગળ વધતા. વાંચન બાદ શ્નુતલેખન અને શ્નુતલેખન બાદ ફરી વાંચન કરાવતા. જે બાળકો સારું લેખન તેમજ વાંચન કરે તેઓને હીંચકે મોકલતા. વિદ્યાર્થીઓનુ કાર્ય જલદી પૂરું થાય ત્યારે તેમને બાળગીતો, જોડકણા, અભિનયગીતો કરાવતા. તેથી બાળકોનો ઉમંગ અને ઉલ્લાસ વધતો. જ્ઞાન સાથે ગમ્મત થઇ જતી.
જે બાળકોને શરૂઆતમાં રવિવારે આવવું ન ગમતું તેઓ પણ રવિવારે ખુશી ખુશી આવવા લાગ્યા. આગળ આગળ શીખવા, વાંચવા પણ લાગ્યા. વિદ્યાર્થીઓને વ્યકિતગત શિક્ષણ મળતું હોવાથી વધારે સારું પરિણામ મળ્યું. જે બાળક કાર્યમાં સારાં દેખાવ કરે તેને ચોકલેટ અથવા પેન્સિલ આપી પ્રોત્સાહિત કરતા.તેનાથી થોડું વધારે સારું કાર્ય થાય કે સરસ, શાબાશ વગેરે શબ્દોથી પ્રોત્સાહિત કરતા. તેને વહાલ કરી તેનો આત્મવિશ્વાસ વધારવાનો પૂરો પ્રયાસ કરતા.અમુક સમયબાદ બાળક તૈયાર થઇ જતા તેનું વાંચન,લેખન ચકાસીને તેને પાછું પોતાના વર્ગમાં મોકલતા.અને આજ પ્રયાસ વર્ષો વર્ષ અમે ચાલુ રાખવા ઇચ્છીએ છીએ.
ભાવિતાબેન રાઠોડ
“ચિનગારી” પ્રોજેક્ટનો મારો અનુભવ
૨૦૧૪ માં વેકેશન ખૂલતાં જૂન માસથી અમે ધોરણ—૧ અને ૨ના નબળા બાળકોને રવિવારે સવારે ૧૦ થી ૧૨ બોલાવીએ છીએ. ગયા વર્ષે રવિવારે આવતાં બાળકોને આ યોજનાથી ઘણાં લાભ થયેલ હતા. તેઓ વાંચતા લખતા અને શ્રુતલેખન (અમે શબ્દ બોલીએ અને તેઓ કોઇપણ જોડણીની ભૂલ વગર સારા અક્ષરે લખે) પણ સારી રીતે કરતાં હતાં અને વર્ગ સાથે ભળી શકતા હતાં. આ વર્ષે પણ ધોરણ—૧ અને ૨ ના નબળા બાળકોને અલગ કાઢીને રવિવારે તેમને બે કલાક ભણાવીએ છીએ.
આ કામ કરવામાં અમારી મદદ માટે ધોરણ ૮ ની દસ બાર વિદ્યાર્થિનીઓને બોલાવીએ છીએ. તેઓ પણ બાળક પર ખૂબ ધ્યાન આપે છે. રવિવારે આવતાં નબળા બાળકોને પ્રોત્સાહન આપવા માટે જેઓને લખાઇ જાય અથવા તેમને સોંપેલ કામ સારી રીતે પૂરું થઇ જાય તેઓને બગીચામાં હીંચકો ખાવા મોકલીએ છીએ, ચોકલેટ આપીએ છીએ અને સ્માઇલી ફેસ પણ આપીએ છીએ જેથી બાળકો ખુશ થઇ જાય અને વધારે સારું કામ કરે છે. છૂટતી વખતે બાર વાગ્યે વાલી લેવા ન આવ્યા હોય ત્યારે બાળકોને જોડકણાં, હાલરડું અથવા તો રાસ રમતા રમતા ઘડિયા બોલાવીએ છીએ. જેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પણ મળે છે. ઘણાં બાળકો એવા પણ હતાં કે જેઓને શરૂઆતમાં રવિવારે શાળામાં આવવું ન ગમતું હતું પરંતુ હવે આવી પ્રવૃતિઓથી બાળકોને પણ આનંદ થાય છે. અને રવવિારે ખુશી—ખુશી શાળાએ આવે છે. ઘણા બાળકોને તો જરૂર ન હોવાથી રવિવારે આવવાની ના પાડી હોવા છતાં તેઓ આગ્રહ રાખે છે કે અમારે રવિવારે શાળાએ આવવું છે. વાલીઓ પણ એમ માને છે કે તેમના બાળકો રવિવારે શાળામાં જતા તેમને ઘણો લાભ થયેલ છે તેથી જરૂર ન હોવા છતા પણ વધારે શીખવા માટે રવિવારના ક્લાસ ચાલુ રાખવાનો તેઓ પણ આગ્રહ રાખે છે અને તેની પારવાનગી માંગે છે.
આ રીતે રવિવારે નબળા બાળકોને બે કલાક બોલાવવાની યોજનાથી બાળકોના પાયાનાં વિકાસમાં ઘણી સિધ્ધિ પ્રાપ્ત થઇ અને બાળકોને પણ આ યોજનાથી ૧૦૦% લાભ થયો.
